Wednesday, March 24, 2010

‘શૂન્ય’ પાલનપુરી

જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

- ‘શૂન્ય’ પાલનપુરી

- નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

- નાઝીર દેખૈયા

- આદિલ મન્સૂરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

- આદિલ મન્સૂરી

કાગ બાપુ

ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે;
(ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ?

ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે;
મરતા લગ માને , કેમ વિસરિયે , કાગડા ?

પન્ડમા પિડ ઘણિ, સાતિને હસતિ સદા;
માયા માત તણિ, કેમ વિસરિયે , કાગડા ?

કુટુમ્બ ક્લેશ અપાર, કિધા ન પુતરને કદિ;
ઍવા ઝેર જીરવણહાર, કેમ વીસરીઍ, કાગડા ?

જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!

મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !

મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !

અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !

માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !

માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !

જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !

માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !

માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !
કવિ શ્રી દુલા ભાયા કાગ
કાગ બાપુ

ચારણ કન્યા

ચારણ કન્યા

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

–ઝવેરચંદ મેઘાણી

જીય મરદ કસુંબલ રંગ ચડે–

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,

ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,

મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

જીય મરદ કસુંબલ રંગ ચડે–



જીય મરદ કસુંબલ રંગ ચડે–
---

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,

ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,

મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–

જીય મરદ કસુંબલ રંગ ચડે–

કહેવતો

કહેવતો - ૧

* અધુરો ઘડો છલકાય ઘણો
* બકરુ કાઢતા ઊંટ પેઠુ
* કીડીને કણ ને હાથીને મણ
* કુવામાં હોય તો હવાડા માં આવે
* ખાળે ડુચાને દરવાજા ઉઘાડા
* દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે
* બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા તેરા નખ્ખોદ જજો
* મોરના ઇંડા ચીતરવા ન પડે
* લગ્ને લગ્ને કુંવારો
* વાર્યાં ના વરે, હાર્યાં વરે
* શેઠની શિખામણ ઝાંપા સુધી
* હાથના કર્યાં હૈયે વાગ્યાં

કાળજા કેરો કટકો મારો . . . - કવિ દાદ

કાળજા કેરો કટકો મારો . . . - કવિ દાદ
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

શિવાજીનું હાલરડું - ઝવેરચંદ મેઘાણી

શિવાજીનું હાલરડું - ઝવેરચંદ મેઘાણી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના'વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના'વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

દુહા - કવિ દાદ

દુહા - કવિ દાદ

માયા અને મમતા તણા જેને રુદે ન લાગ્યા રોગ
એવા સંત સમરવા જોગ, દિવસ ગતાં દાદભા

જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં
એવા અણડગ અવનીમાં, મેં દીઠાં થોડા દાદભા

સંત કબીરના દુહા

સંત કબીરના દુહા - 2
એવી વાણી બોલ્યે કે, મનનો ભાર ખોવાય;
આપણું તન શીતળ કરે, બીજાંને સુખ થાય

મોટો થયો તો શું થયું, જેવું ઝાડ ખજૂર;
પંથીને છાંયા નહિ, ફળ આવે બવ દૂર

પ્રભુ એટલું આપજે, જેમાં કુટુમ્બ સમાય;
હું ભુખ્યો ના સુવું, સાધુ ના ભૂખ્યો જાય

માંગવું મરણ સમાન છે, ના કોઈ માંગે ભીખ;
માંગવાથી મરવું સારું, આ સતગુરુની શીખ

કબીર ઉભો બજારમાં, માંગે બધાની ખેર;
ના કોઈની દોસ્તી, કે ના કોઈથી વેર

કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર;
પાછળ-પાછળ હરી ફરે, કહિ કબીર કબીર

પોથી ભણીને જગ મર્યુ, પંડિત થયો ન કોઈ;
અઢી અક્ષર પ્રેમના, જે ભણે તે પંડિત હોઈ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . - કવિ દાદ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . - કવિ દાદ
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

મન મોર બની થનગાટ કરે ... - ઝવેરચંદ મેઘાણી

મન મોર બની થનગાટ કરે ... - ઝવેરચંદ મેઘાણી
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે
મોર બની થનગાટ કરે . . .

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે . . .

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે . . .

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે . . .

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે . . .

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે . .

કાઠીયાવાળી દુહા

કાઠીયાવાળી દુહા

ઉજ્જડ કેડા ફરી વસે, નિર્ધની મા ધન હોય,
ગયા જોબન ન સાંપડે, મુવા ન જીવે કોય.

પહાડે પહાડે મણી નહી, ચંદન વન વન ન્હોય,
કોક જ દેશ કસ્તુરીયો, સતી ઘેર ઘેર ન્હોય.

ધનકું ઊંડા નવ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજા ભેળવે, તાકું રંગ ચડાવ.

ભલ ઘોડો, વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
જાજી ફોજું માં જીકવા, મરવું એકજ વાર.

ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,
સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય.

પીપળ પાન ખરત, હસતી કુંપળીયા,
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીયા.